Our Pride

મ્યુનિ. શાળાના બાળકો બન્યા ભારતીય સંસ્કૃતિના પ્રચારકો

 

અમેરિકા કે ઇંગ્લેન્ડ જવાનું સ્વપ્નું પણ સેવી શકે નહિ એવી સ્થિતિમાં જીવતાં શ્રમિકોનાં બાળકો જે મ્યુનિ. શાળામાં ભણી રહ્યાં છે તે પૈકી ૧૬ બાળકો માટે ૬૫ દિવસના અમેરિકા તેમજ ઇંગ્લેન્ડના પ્રવાસનું આયોજન માનવ સાધના સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. આ બાળકો માત્ર ફરવા જવાના છે એવું નથી, ભારતીય સંસ્કૃતિના પ્રતિનિધિ તરીકે જઇ તેઓ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને મૂલ્યો આધારિત કાર્યક્રમો આપવાના છે.

 

ભારતીય સંસ્કૃતિના પ્રચાર –પ્રસાર સાથે તેઓ ગાંધી વિચારનો પણ પ્રચાર કરશે. સફાઇ કામદારથી લઇને મજૂરી કરી પેટિયું રળતા મા-બાપના આ નસીબદાર બાળકોને શુભેચ્છા પાઠવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલય ખાતે તા. ૨૦/૦૪/૨૦૧૨ના રોજ શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો.

 

અમદાવાદ મહાનગરના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, મ્યુનિ. કમિશનરશ્રી, મ્યુનિ. ભાજપ પક્ષના નેતાશ્રી, સ્કૂલ બોર્ડ ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, સ્કૂલ બોર્ડ સદસ્યશ્રીઓ, શાસનાધિકારીશ્રી તથા માનવસાધના સંસ્થાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિદેશ જનાર આ બાળકોને રોકડ રકમ, બેગ, પેન, પેડ, સ્વીટ સાથેની શુભેચ્છાભેટ અર્પણ કરવામાં આવી.

 

આ પ્રસંગે મેયરશ્રી અસિતભાઇ વૉરાએ બાળકોને ભારતીય સંસ્કૃતિ અને ગાંધી વિચારના પ્રચાર – પ્રસાર સાથે વિદેશની આધુનિક ટેકનોલોજી અને વિકાસની તરાહ જોવા – જાણવા – શીખવા તેમજ મળેલ અવસરને માણવાની શીખ આપી હતી. વિદેશ જતાં પોતાનાં બાળકોને મહાનુભાવો દ્વારા શુભેચ્છા પાઠવવા માટે મ્યુનિ.કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓમાં આનંદની ચરમસીમા જોવા મળી હતી.